નર્મદા નિગમની ઇઢાટા અને પીરગઢ ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ સુધારણાના કામોનું વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ ખેડૂતોના હસ્તે કરાવ્યું ખાતમૂર્હૂત
ડિસ્ટ્રીબ્યુટરી અને માઇનોર કેનાલના કામ શરૂ થતાં થરાદ તાલુકામાં કુલ- ૧૦,૬૦૩ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે
થરાદ તાલુકાના અંતરિયાળ ગામડાઓ સુધી સિંચાઈના પાણીનો લાભ છેવાડાના માનવીને મળી રહે તે માટે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સતત કામ કરી રહ્યા છે. સરહદી વિસ્તારમાં કેનાલ આધારીત સિંચાઈ થી ખેડૂતો આજે પગભર બની રહ્યા છે. ત્યારે મુખ્ય કેનાલથી લઈ માઇનોર અને ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનાં પડતર કામગીરી વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ યુદ્ધના ધોરણે શરૂ કરાવી છે. જે અંતર્ગત આજે થરાદના પીરગઢ, ઇઢાટા અને ભોરોલ ગામની ડિસ્ટ્રીબ્યુટરી અને માઇનોર કેનાલ સુધારણ કામોનું અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ ખેડૂતોના હસ્તે ખાતમુર્હૂત કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો. આજે થરાદ તાલુકામાં શરૂ થયેલા નર્મદા કેનાલના કામમાં પીરગઢ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું કામ શરૂ થતાં પીરગઢ, ગડસીસર, સાબા, શેરાઉ, સણવાલ, કુંભારડી, વજીયાસર અને તેજપુરા ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. જ્યારે ઇઢાટા અને ભોરોલ ડિસ્ટ્રીબ્યુટી કેનાલનું કામ શરૂ થતાં થરાદ તાલુકાના લોરવાડા, જમડા, ઇઢાટા, ભોરોલ, ગણેશપુરા, ઘંટીયાળી અને મેઢાળા તથા વાવ તાલુકાના પ્રતાપપુરા, ઢીમા, કોળાવા અને ચોટીલ ગામના ખેડૂતોને સિંચાઇનું પાણી મળશે. આજે થરાદ તાલુકાની આ બે ડિસ્ટ્રીબ્યુટરી અને માઇનોર કેનાલના કામ શરૂ થતાં થરાદ તાલુકામાં કુલ- ૧૦,૬૦૩ હેક્ટર જમીનને સિંચાઈ માટેનો લાભ મળશે. જ્યારે કેનાલના નવીનીકરણ પાછળ ૬.૩૫ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે. જેથી આ કેનાલની પાણી વહન કરવાની ક્ષમતા પણ વધશે. તેમજ જે જગ્યાએ કેનાલ ક્ષતિગ્રસ્ત થઈ છે ત્યાં નવી કેનાલનું બાંધકામ થશે. આજે નર્મદાની બે ડિસ્ટ્રીબ્યુટરી અને માઇનોર કેનાલના ખાતમુર્હૂત પ્રસંગે જે ગામને કેનાલના નવીનીકરણથી લાભ મળવાનો છે તે ગામના ખેડૂતો સાથે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ સીધો સંવાદ કર્યો હતો અને ગામના લોકોની રજૂઆત પણ સાંભળી હતી.