ડીસામાં આજે માર્કેટયાર્ડ પાસે એક યુવકની પથ્થરના ઘા મારી હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી હત્યારાની શોધખોળ હાથ ધરી છે.
ડીસા-પાલનપુર હાઇવે પર એલીવેટેડ બ્રિજ નીચે એક યુવકની હત્યા થઈ છે. માર્કેટયાર્ડ પાસેથી પસાર થતા લોકોએ એલિવેટેડ બ્રિજ નીચે લોહી લુહાણ હાલતમાં એક યુવક પડ્યો હોવાનું દેખાતા 108 એમ્બ્યુલન્સ વાન અને પોલીસને જાણ કરી હતી. આ બનાવની માહિતી મળતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ સ્થળ પર જઈ તપાસ કરતા યુવકનું મૃત્યુ થયેલું જાણવા મળ્યું હતું. ત્યારબાદ શહેર દક્ષિણ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક તપાસ કરતા યુવકની પથ્થરના ઘા મારી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.
યુવકની હત્યા મામલે પોલીસે અત્યારે બનાવ સ્થળનું પંચનામું કરી લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી.તેમજ મૃતકના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે. જ્યારે યુવકની હત્યા કોને કરી છે, કયા કારણોસર કરી છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી હત્યારાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.