પાટડીના મોટી મજેઠી હાઇવે પરથી પેટ્રોલ-ડીઝલ ભરવાના ટેન્કરમાંથી ટાંકામાં છુપાવીને લઇ જવાતી વિદેશી દારૂની 3756 બોટલો સાથે રૂ. 17.93 લાખનો મુદામાલ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. બજાણા પોલીસે વિદેશી દારૂની બોટલો નંગ- 3564, બિયર ટીન નંગ- 192, મોબાઇલ 1 અને ટેન્કર ટ્રક મળી કુલ રૂ. 17,93,400ના મુદામાલ સાથે રાજસ્થાનના શખ્સને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ હાઇવે પર પેટ્રોલિંગમાં હતા, ત્યારે માલવણ વિરમગામ હાઇવે પર મોટી મજેઠી ગામના બોર્ડ પાસે એક શંકમદ ટેન્કર ટ્રક નિકળતા બજાણા પોલીસ મથકના યશપાલસિંહ રાઠોડ તથા રોહિતકુમાર પટેલે આ શંકાસ્પદ ટેન્કર ટ્રકનો ફિલ્મી ઢબે પીછો કરી બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલાને ફોનથી જાણ કરતા તેઓએ સામેથી આવી ટેન્કર ટ્રકને પકડી પાડી ટ્રકમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનમાંથી પ્રતિબંધિત ગુજરાત ગુજરાત રાજ્યમાં ઘૂસેડવાનો પર્દાફાશ કર્યો હતો.બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતના બજાણા પોલીસના સ્ટાફ દ્વારા સઘન તલાશી લેતા પેટ્રોલ-ડીઝલ ભરવાના ટેન્કરમાંથી ટાંકામાં છુપાવીને લઇ જવાતી વિદેશી દારૂની બોટલો નંગ- 3564, બિયર ટીન નંગ- 192, મોબાઇલ 1 અને ટેન્કર ટ્રક મળી કુલ રૂ. 17,93,400ના મુદામાલ સાથે રાજસ્થાનના આરોપી રામલાલ ભોપારામ જાટ ( રહે-દુદુ, તા. ધોરીમના, જિલ્લો-બાડમેર (રાજસ્થાન)ને ઝબ્બે કરી અને ટ્રક માલિક સુરેન્દ્રકુમાર કીશનરામ ( રહે- છત્રાલ ) અને દારૂ ભરી રમેશભાઇ બિશ્નોઇ ( રહે-ધુરીમના, જિલ્લો-બાડમેર (રાજસ્થાન) વિરુદ્ધ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એસ.પી.ઝાલા, ગોવિંદભાઇ ભરવાડ, ધ્રુવરાજસિંહ રાણા, રોહિતકુમાર પટેલ, યશપાલસિંહ રાઠોડ અને જયપાલસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.