પાવીજેતપુર તાલુકાના ડેરીયા ગામ પાસે ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત : બસ બળીને ખાખ
પાવીજેતપુર તાલુકાના ડેરીયા ગામે એક ખાનગી બસ તેમજ બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું તેમજ બસની નીચે બાઈક આવી જઇ, બસ ઘસડાતા, તણખા જરતા, બસમાં આગ લાગી જતા બસ બળીને ખાખ થઈ જવા પામી હતી. ખાનગી બસમાંથી મુસાફરો ઉતરી જતા આબાદ બચાવ થયો હતો.
પાવીજેતપુર તાલુકાના કલારાણીથી એક કિલોમીટર જેટલા અંતરે આવેલ ડેરીયા ગામે રોડ ઉપર કવાંટ તરફ જઈ રહેલી ખાનગી બસ તેમજ બાઈક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકને માથામાં ગંભીર વાગતા, માથાનો ખુરદો બોલાઈ ગયો હતો. તેથી ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત થઈ ગયું હતું. મૃતક નું નામ રામદેવ તારસિંગ કોલચા ( ઉ. વ. ૩૦ ) જાણવા મળ્યું હતું.
ખાનગી લક્ઝરી બસની નીચે બાઇક ફસાઈ ગઈ હોય ડેરીયા ગામના રોડ ઉપરના ટેકરા ઉપર થી અડધો કિલોમીટર જેટલી બસની નીચે બાઈક ઘસડાઈને ડેરિયાના પંચાયતઘર આગળના રોડ ઉપર આવી તણખા જરવા લાગતા, ખાનગી બસમાં આગ લાગી જવા પામી હતી. આગ લાગ્યાનું જાણતા જ ખાનગી બસમાં બેઠેલા પેસેન્જર પોતાનો જીવ બચાવવા માટે બૂમાબૂમ કરી નીચે ઉતરી ગયા હતા. સદ નસીબે બસમાં બેઠેલા મુસાફરોએ અગમચેતી વાપરતા આબાદ બચાવ થયો હતો. થોડીક વારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેમજ લક્ઝરી બસના ટાયરો જાને એટમ બોમની જેમ ફાડતા લોક ટોળા ભેગા થઈ ગયા હતા. તાત્કાલિક લાય બંબો બોલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં સુધી બસ બળીને ખાખ થઈ જવા પામી હતી.
આમ, પાવીજેતપુર તાલુકાના ડેરિયા ગામે રોડ ઉપર ખાનગી બસ અને બાઈક નો અકસ્માત થતાં બાઈક ચાલકનું મોત થયું હતું. તેમજ ખાનગી બસ ની નીચે ફસાયેલ બાઈક સાથે ખાનગી બસ અડધો કિલોમીટરથી વધુ ચાલી જતા, તણખા જરતા બસમાં આગ લાગી જતા બસ બળીને ખાખ થઈ ગઈ હતી. મુસાફરો બુમાબૂમ કરી ખાનગી લક્ઝરી બસમાંથી ઉતરી જતા આબાદ બચાવ થયો હતો.
ખાનગી લક્ઝરી બસો વાળા માતેલા સાંઢની જેમ પોતાના વાહનો હંકારતા હોય, જેના કારણે નાના વાહનો વાળાના જીવનું જોખમ વધી ગયું છે અને તેમાં પણ બાઈક ચાલકો તો અવારનવાર અકસ્માતમાં મોતને ભેટે છે. ત્યારે આ ખાનગી લક્ઝરીઓ ઉપર અંકુશ આવે તે જરૂરી છે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.